seva cafe

અમદાવાદની ‘સેવા કાફે’ – હરસુખ થાનકી

[‘હલચલ’ સામાયિક (કોલકતા)
માંથી સાભાર.]

સાથે રમીએ… સાથે જમીએ…. સાથે કરીએ સારાં કામ……

પ્રાથમિક શાળામાં ભણાવાતી આ કવિતા આજના જમાનામાં કોઈ હોટલનો સેવામંત્ર હોઈ શકે એવું કોઈ કહે તો ભાગ્યે જ માનવામાં આવે. જો કોઈ એમ કહે કે અમદાવાદ જેવા શહેરમાં સી.જી. રોડ જેવા અતિ મોંઘા વ્યાવસાયિક એરિયામાં એક આલીશાન શોપિંગ આર્કેડમાં એક હોટલ એવી પણ છે જેનો ધ્યેય માત્ર સેવા થકી સારાં કામ કરવાનો છે, આ હોટલ રોજ સાંજે સાત વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી જ ખૂલ્લી રહે છે, રોજ માત્ર પચાસેક ગ્રાહકોને જ એટેન્ડ કરવામાં આવે છે (શનિ-રવિએ 65 ગ્રાહકો), રોજ માત્ર ગણતરીની સાતેક વાનગી જ પીરસાય છે, અને મેનુમાં ભાવ લખેલા હોતા નથી, જમી લીધા પછી ગ્રાહકે તેમની મરજીમાં આવે એ બંધ કવરમાં આપવાનું હોય છે અને દર સોમવારે આ હોટલ બંધ રહે છે, તો પણ આ વાત કોઈ માનવા તૈયાર ન થાય, પણ આ સાવ સાચી વાત છે. સી.જી રોડ પર મ્યુનિસિપલ માર્કેટની સામે આવેલા શોપર્સ પ્લાઝાના ચોથા માળે ચાલતી આ હોટલનું નામ છે ‘સેવા કાફે’ ફોન : +91-79-32954140

સેવા કાફે. આ હોટલના સંચાલકો જોકે ‘સેવા કાફે’ ને હોટલ કે રેસ્ટોરાં કહેતાં નથી. કારણ કે તેઓ લોકોને વાનગીઓ પીરસીને તેમની પાસેથી જે મેળવે છે એ તેમનો વ્યવસાય નથી કે એ દ્વારા તેમનો નફો કમાવવાનો ધ્યેય નથી. માત્ર સેવાને જ વરેલા આ લોકોને પોતાના નામની પ્રસિદ્ધિ થાય એમાં પણ રસ નથી, અને એ વાત પણ કમસે કમ એ રીતે તો નવાઈ પમાડનારી છે કે આજે તો સેવા કરતી મોટા ભાગની સંસ્થાઓને વધુમાં વધુ પ્રસિદ્ધિ થાય એમાં વધુ રસ હોય છે !

આ જમાનામાં પૈસા વિના ક્શું જ થઈ શકતું નથી, એમ કહેવાય છે અને મહદઅંશે એ સાચું પણ છે, પણ ‘સેવા કાફે’ દ્વારા એ પણ સંદેશો અપાઈ રહ્યો છે કે પૈસા વિના ઘણું થઈ શકે છે. ‘સેવા કાફે’ નો જ દાખલો પૂરતો છે. ‘સેવા કાફે’ માં રસોડામાં રોજ આવીને જે છ જણા વિવિધ વાનગીઓ બનાવે છે, તેમને એક ચોક્કસ રકમ પગાર પેટે ચૂકવાય છે, તેને બાદ કરતાં અહીં સંચાલકોથી માંડીને વેઈટરો સહિતના જેટલા પણ કામ કરનારા છે તેમને કશું ચૂકવાતું નથી. વેઈટરો સ્વયંસેવકો છે અને સેવા કરવાની ભાવનાથી અહીં આવે છે. આમ તો ‘સેવા કાફે’ રોજ સવારે સાડા દસ વાગ્યે ખૂલી જાય છે, પણ કૂકિંગ સ્ટાફ અને બીજા સ્વયંસેવકો બપોર પછી આવવાના શરૂ થાય છે. સાંજે સાતેક વાગ્યાથી ગ્રાહકો આવવાના શરૂ થાય છે. જેઓ પહેલી વાર આવે છે તેમને ‘સેવા કાફે’ નો ઉદ્દેશ જણાવતું સાહિત્ય આપવામાં આવે છે. ગ્રાહક જમી લે એટલે વેઈટર તેમને એક ખાલી કવર આપે છે, જેમાં ગ્રાહકે પોતાની મરજી મુજબ જે કંઈ રકમ મૂકવી હોય તે મૂકવાની રહે છે. ગ્રાહકે કવરમાં કેટલી રકમ મૂકી એ જોવામાં આવતું નથી.

‘સેવા કાફે’ની પ્રવૃત્તિ જો કોઈને ગમી જાય ને તેને પોતાને પણ કોઈ એક દિવસ અહીં આવીને સેવા કરવાની ઈચ્છા થાય તો તેણે કમ સે કમ એક દિવસ પહેલાં નામ નોંધાવી દેવું પડે છે. ‘સેવા કાફે’નું સંચાલન સુપેરે ચાલે તે માટે રોજ 11 જેટલા સ્વયંસેવકોની જરૂર પડતી હોય છે, પણ કમસે કમ સાત-આઠ સ્વયંસેવકો તો કોઈ પણ હાલતમાં જોઈએ જ. તેનાથી ઓછા હોય તો તકલીફ પડી જાય. એવું ન બને તે માટે અગાઉથી જ તેમની નોંધણી કરાતી હોય છે. તે છતાં ક્યારેક સંખ્યામાં ગાબડું પડે એવું લાગે તો તેમની પાસે એવા સ્વયંસેવકોનું પણ એક લિસ્ટ છે જેમાંથી તેઓ કોઈને ગમે ત્યારે બોલાવી લેતા હોય છે. સામાન્યપણે સ્વયંસેવકોમાં તરુણો અને યુવાનોની સંખ્યા વિશેષ હોય છે, કારણ કે જેમની પાસે સમય હોય તેઓ આવી શકતા હોય છે એટલે નોકરિયાતો કે વ્યવસાયીઓ એટલો સમય ભાગ્યે જ કાઢી શકતા હોય છે. ગૃહિણીઓ પણ આવે છે. નિયમિતપણે આવનારી બે-ત્રણ મહિલાઓની ઉંમર તો ખાસ્સી 60 વર્ષથી વધુ છે. એક વૃદ્ધા તો લગભગ 75 વર્ષના છે, પણ અવારનવાર અહીં સેવા આપવા આવી પહોંચે છે.

શનિ-રવિને બાદ કરતાં ‘સેવા કાફે’ માં રોજ માત્ર પચાસ ગ્રાહકોને જ એટેન્ડ કરાય છે. શનિ-રવિએ આ સંખ્યા 60 થી 65 જેટલી હોય છે. પણ જો ફૂડ, વધારે હોય અને ગ્રાહકો આવી જાય તો તેમને એટેન્ડ કરી લેવાતા હોય છે. ‘સેવા કાફે’ જ્યારે શરૂ કરાયું હતું ત્યારે ગ્રાહકોની સંખ્યાની આવી કોઈ મર્યાદા રાખી નહોતી, પણ ત્યારે રોજ કેટલા જથ્થામાં વાનગીઓ બનાવવી એ ખ્યાલ આવતો નહોતો, એટલે રોજના પચાસ ગ્રાહકોની સંખ્યા નિશ્ચિત કરી દેવાઈ.

‘સેવા કાફે’ સાથે સંકળાયેલા કેટલાક લોકો સક્રિય કર્મશીલો છે અને કોઈ ને કોઈ એનજીઓ સાથે સંકળાયેલા હોય એવું બને, પણ ‘સેવા કાફે’ પોતે કોઈ એનજીઓ સાથે કે કોઈ સંસ્થા સાથે સંકળાયેલી નથી. કેટલાક લોકોએ ભેગા થઈને આવું કંઈક કરવું જોઈએ એવો વિચાર કર્યો હતો તેમાં લાંબો સમય ચાલેલી ખાસ્સી મથામણને અંતે ‘સેવા કાફે’ નો જન્મ થયો. 2007ના મે મહિનાની 13મીએ ‘સેવા કાફે’ ને 19 મહિના પૂરા થશે. છેલ્લા બે-ત્રણ મહિનાને બાદ કરતાં ‘સેવા કાફે’ ખોટમાં જ ચાલી છે. એ ગાળા દરમ્યાન લગભગ પોણા બે લાખ જેવી ખોટ થઈ છે. હવે સરભર થઈ રહે છે, પણ ‘સેવા કાફે’ પાછળનો હેતુ નફાનો છે જ નહિ, એટલે એ બાબતને કોઈ મહત્વ અપાયું નથી, પણ અહીં આવનારા ગ્રાહકોમાં કે સ્વયંસેવકોમાં સેવાની ભાવના વિકસે એકમેકને મદદરૂપ થવાની ભાવના વિકસે અને આમ સેવાકાર્યોનો ગુણાકાર થતો રહે એ ‘સેવા કાફે’ નો એક હેતુ છે.

‘સેવા કાફે’ નો એક મહિનાનો ખર્ચ કેટલો થયો અને સામે ગ્રાહકોએ કવરમાં મૂકીને શું આપ્યું વગેરેનો હિસાબ જાહેરમાં મૂકવામાં આવે છે. જે કંઈ આવક થાય તેમાંથી દર મહિને જરૂરિયાતમંદ એક-બે પરિવારને એડોપ્ટ કરવામાં આવે છે. જેમ કે એપ્રિલ માસમાં એવી બે બહેનોને મદદ કરાઈ જેઓ ફુગ્ગા વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. જો શાકભાજીની લારી મળી જાય તો પરિવારના ગુજરાનમાં થોડી રાહત થઈ જાય એવી આ બહેનોની જરૂરિયાત હતી. તેમની એ જરૂરિયાત પૂરી કરી દેવાઈ છે.

‘સેવા કાફે માત્ર વાનગીઓ જ પીરસે છે એવું નથી. અહીં એક નાનકડી લાઈબ્રેરી પણ છે. જેમાં ભેટમાં આવેલાં પુસ્તકો છે. લાઈબ્રેરીની આ જગ્યાનો ઉપયોગ સવારે સાડા દસથી સાંજે લગભગ સાડા પાંચ સુધી કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. જેમને સમય પસાર કરવો હોય તેમના માટે ડ્રોઈંગ મટિરિયલ છે. ચિત્રો દોરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. તબલાંની એક જોડ પણ છે. કોઈને શોખ હોય તો તબલાં વગાડી શકે. પુસ્તકાલયમાં એક નાનકડી આર્ટ ગેલેરી પણ છે. જેઓ શહેરની આર્ટ ગેલેરીઓમાં પોતાની કૃતિઓનું પ્રદર્શન કરી શકે તેમ નથી તેઓ અહીં તે કરી શકે છે.

દર સોમવારે બંધ રહેતી ‘સેવા કાફે’માં રોજ લગભગ સાતેક વાનગીઓ મળે છે. જેમાં એક જ્યુસ, એક ડેઝર્ટ, બે હેવી અને બે લાઈટ વાનગીઓ હોય છે. કોઈ સેવાભાવી વ્યક્તિ પોતે ખાસ વાનગી બનાવવા ઈચ્છતું હોય તો તેમની પણ સેવા લેવાય છે. જેઓ રોજ કૂકિંગ માટે આવે છે એ છ જણા કોઈ પ્રોફેશનલ કૂક નથી. તેઓ પણ અહીં જ બધું શીખ્યા છે.

હવે તો ‘સેવા કાફે’ ની સુવાસ અમેરિકા સુધી પહોંચી છે. અમેરિકાથી પંદર જેટલા બિનનિવાસી ગુજરાતીઓ અહીં આવ્યા હતા અને લગભગ પંદર દિવસ અહીં રહ્યા હતા. અમેરિકા જઈને પહેલાં તેમણે કેલિફોર્નિયામાં અને હવે બર્કલેમાં ‘સેવા કાફે’ શરૂ કરી છે. જો કે સમયના અભાવે તેઓ માત્ર શનિવારે જ ‘સેવા કાફે’ ખૂલ્લું રાખે છે. ‘સેવા કાફે’ કોઈ વ્યાવસાયિક સંસ્થા નથી એટલે તેનું સંચાલન પણ એ રીતે જ થાય છે. સંચાલકોની ન કોઈ મીટિંગ કે ન કોઈ દેખરેખ. ઘણા સેવાભાવી મિત્રોના ડોનેશનથી શરૂ થયેલી ‘સેવા કાફે’. હવે તો ‘માઉથ પબ્લિસિટી’ થી ખાસ્સી જાણીતી બની ગઈ છે, પણ હજી ઘણા અમદાવાદીઓ આ કોન્સેપ્ટ સમજી શકતા હોય એવું લાગતું નથી. જેઓ માત્ર હોટલ સમજીને જ અહીં આવે છે તેઓ ‘કોઈ સ્કીમ છે કે કેમ !’ એવું પૂછવાનું ચૂકતા નથી. એવા લોકોને સમજાવવાનો પ્રયાસ કરાય છે કે ‘સેવા કાફે’ કોઈ હોટલ કે રેસ્ટોરાં નથી. અહીં પ્રસાદ મળે છે. અહીં એવો સંદેશો મળે છે કે આપણે સમાજ માટે શું કરી શકીએ છીએ એ આપણા હાથમાં છે.

[તંત્રીનોંધ : ‘સેવા કાફે’
ના સ્વાનુભવ વિશે દસમા ધોરણમાં
ભણતી અને રીડગુજરાતીની વાચક
દ્રષ્ટિ પ્રજાપતિએ અમદાવાદથી
જણાવ્યુ હતું કે વેકેશનમાં તે
પ્રથમ વખત જ્યારે આ રેસ્ટોરાંમાં
ગઈ ત્યારે તેને ખૂબ અચરજ થયું
અને તે પછી તેને પણ સેવા કરવાની
ઈચ્છા થઈ. બીજે દિવસે તેણે નામ
નોંધાવીને પોતાની સેવા આપી.
અહીં કાફેમાં નવોદિત સેવા આપનારને
પ્લેટ સાફ કરવાનું કે બીજા નાના
મોટા કામ શીખવાડાય છે. પછી જેમ
જેમ અનુભવ પ્રાપ્ત થતો જાય તેમ
ઑર્ડર લેવાનું વગેરે કામ સરળતાથી
શીખી શકાય છે. પણ એ કાર્ય કરવાનો
અનુભવ સાચે જ અવિસ્મરણીય હોય
છે. વળી, કામ કરવાનો પણ એટલો જ
આનંદ આવે છે. જાણે કોઈ અલગ જ વાતાવરણમાં
આવ્યા હોઈએ એવો અનુભવ થાય છે.]

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: